Friday, 14 October 2011

સાઈકલ મારી ચાલે


સાઈકલ મારી ચાલે

      સાઈકલ મારી ચાલે
      એની ઘંટી ટનટન વાગે
      સરસર સરસર ભાગે
      એની ઘંટી ટનટન વાગે

      સાઈકલ મારી ચાલે
      એની ઘંટી ટનટન વાગે

      ચાર પૈડાવાળી ને
      ગાદીવાળી સીટ               
      પૂરપાટ ભાગું તો ય
      નથી લાગતી બીક
     
      સાઈકલ મારી ચાલે
      એની ઘંટી ટનટન વાગે

      હું ને ભાઈ મારો
      આખો દી ફરવાના  
      નદીએ ફરવા જાશું
      સૌથી છાનામાના

      સાઈકલ મારી ચાલે
      એની ઘંટી ટનટન વાગે

      સાઈકલ મારી ચાલે
      જાણે ઘોડાગાડી
      સરસર સરસર ભાગે
      જાણે એંજિન ગાડી

      સાઈકલ મારી ચાલે
      એની ઘંટી ટનટન વાગે    
મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2010
મકરંદ દવેની મને અતિ પ્રિય કવિતા છે. આપણી સંસ્કૃતિ જ જાણે સહુની સાથે વહેંચીને ખુશ થવાની છે. ઘરે સારું અન્ન રાંધ્યું તો પડોશીને ત્યાં વાડકી ભરીને જાય જ, ખેતરમાં દાણા પાક્યા તો પ્રસાદરૂપે વહેંચીએ, ગુંજે ભરવાની વાત જ નથી હોતી! આ બ્લોગ પણ એટલા માટે તો મે બનાયો છે. મને જે ગમે છે, એ હું આપ સહુની સાથે વહેંચી શકુ. તો ચાલો કરીયે ગમતાનો ગુલાલ.



કવિ - મકરંદ દવે

 
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
કોકના તે વેણને વીણી વીણીને વીરા!
ઊછી- ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને,
ફૂલ જેમ ફોરમની - ધરીએ. કોકના તે વેણને


કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને

મોરલો કોઇની કેકા,

માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા !
રૂડા રૂપાળા સઢ કોકના શું કામના?
પોતાને તુંબડે તરીએ. કોકના તે વેણને

પોતાની વાંસળી પોતે બજાવીએ
ને રેલાવી દઇએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતમાં જીવી ગયા, વીરા!
જીવતાં ન આપણે મરીએ. કોકના તે વેણને


વીજળીને ચમકારે મોતીડાં પરોવવું પાનબાઇ !
અચાનક અંઘારૂં થાશે રે;
જોત રે જોતાંમાં દિવસ વયા રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસો ને કાળ થાશે રે.

જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
અધૂરિયાને નો કેવાય રે,
ગુપત તે રસનો ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો  સમજાય.

નિરમળ થઇને આવો મેદાનમાં રે પાનબાઇ !
જાણી લ્યો જીવની જાત રે;
સજાતિ રે વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત.

પિંડ બ્રહ્માંડ્થી રે પર છે ગુરુજી પાનબાઇ !
તેનો દેખાડું તમને દેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ.

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક ઇતો નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મેલ પરે ! મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલ ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસીશ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ ... આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો! ઘડીભરની રીડીયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઇ અને મોટેરાને કોઇ સૂઝ પડે એ પહેલા તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઇ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દ્રશ્યથી શાયર મેઘાણીનો માંહ્લો જાગી ગયો. ઓહોહો... આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરક્રમ?  વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઉભી રહેતી આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણી પણ ના હલ્યું? અને પછી મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ તો ભલભલા કાયરને પણ પાનો ચઢાવી દે તેવી અમર ગુજરાતી કવિતા 'ચારણકન્યા'. ધોરણ ૪માં આ કવિતા ભણ્યા હતાં પણ તેમા જોયેલ ચારણકન્યાનું ચિત્ર હજુ માનસપટ પર એવુંને એવું છે.


કવિ કાગે આ ઘટનાના સાક્ષી રૂપે લખ્યું છે " એ વખતે ચારણકન્યા મેઘાણી કાગળ કે કલમ વગર કંઠોકંઠ લખીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ તાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ તેમને પકડી રાખ્યા.

(તાજા કલમ - આજે પણ એ નેસમા આ હીરબાઇના વંશજો રહે છે. જોકે તેમના કોઇ વશંજને આ કવિતા પૂરી યાદ નથી એ વિધીની વક્રતા છે.)

સાવજ ગરજે

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્ધાર ઉઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માતી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રેજે !

ત્રાડ પડી કે ઊભો રેજે !
ગીરના કુત્તા ઊભો રેજે !
કાયર દુત્તા ઊભો રેજે !
પેટભરા ! તું ઊભો રેજે !
ભૂખમરા ! તું ઊભો રેજે !
ચોર-લૂંટારા ઊભો રેજે !
ગા-ગોઝારા ઊભો રેજે !

ચારણ-કન્યા

ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો

No comments:

Post a Comment